Total Pageviews

Tuesday, November 4, 2014

આતમ મારો

આતમ મારો ભારતનો ને દેહ વિદેશી થાયે રે
હું જનમે ભારતવાસીને સંતાનો પરદેશી  રે
મન  મારું મુઝાય છે

કારકિર્દીના ઊંચા શિખર, મેં વટાવ્યા રાજી થઇ
ટેક્નોલોજી સરવાણીમાં ડૂબકી મારી પાવન થઇ
હોંશે રાચ્યું રાચ રચીલું સપનાથી પણ સુંદર ઘેર
લીલા ડોલર, લીલા કાર્ડે ચારે બાજુ લીલા લહેર
પણ મન મારું મુઝાય છે

ભૌતિક સુંદરતા ખરીદી, સંસ્કૃતિના રૂપિયાથી
સરવાળે બાદબાકી માંડી, હ્રુદિયાના હિસાબથી
ઘર છોડ્યું, ગામ છોડ્યું, છોડ્યા સગા સબંધી સૌ
છોડીને જે હતું પોતીકું, અપનાવ્યું પરદેશી સૌ
ને મન મારું મુઝાય છે

દુનિયાદારીના ગણિતમાં ના બેસે આ સરવાળો
મુજ જીવનના સમીકરણમાં ક્યાંક થયો છે ગોટાળો
સંસ્કૃતિ જે દિવ્ય કાળની, સંસ્કારો જે સિંચાયા
એના હું શું મોલ માંડું, પ્રેમ ઊર્મિ જે ખોવાયા
ને  મન મારું મુઝાય છે

મિનલ પંડ્યા




No comments:

Post a Comment