Total Pageviews

Wednesday, December 27, 2017

પાકકો ઘડો

લાગતું  હતું કે
ઘડાઈ ગયા હવે તો
કર્યો પાક્કો ઘડો જીવનનો
હવે તો
પણ જરા વાગી એક ઠેસ
કોઈની કટુવાણી કેરી
તૂટી પડી એક કોર
છૂટ્યું લાગણીઓનું
દ્વાર અને વહી પડી
સાચવીને ગોઠવેલી
લાગણીઓ અકબંધ
છલકાયુ અંતર
ને જે લાગતો પાકકો ઘડો
તે વિખરાયો ચારેકોર

લાગતું હતું કે
ગોઠવાઈ ગયા જીવનમાં
હવે તો
સમજી ગયા આ
સંબંધોનું જાળું
આવડી ગયું
અમને ઉકેલતા
પણ ગાંઠ આવી એક એવી
કે ગોઠવેલું સૌ
વીખરાયું
ને ગૂંચવાયું
અંદર બહાર
સઘળું અસ્તવ્યસ્ત

લાગતું હતું કે
શિખી ગયા સમાજની
સૌ રીતભાત
મોહરા વાંચવાની ભાષા
હવે તો
આવડી ગઈ
પણ ના,
હજી મળે નવા મોહરા
મળ્યા કરે
ખોટા વંચાયા કરે
ગેરસમજ થી
સમજાયું કે બાકી છે
હજી તો ઘણું
જીવનમાં શીખવાનું


મીનળ પંડ્યા