Total Pageviews

Wednesday, December 27, 2017

પાકકો ઘડો

લાગતું  હતું કે
ઘડાઈ ગયા હવે તો
કર્યો પાક્કો ઘડો જીવનનો
હવે તો
પણ જરા વાગી એક ઠેસ
કોઈની કટુવાણી કેરી
તૂટી પડી એક કોર
છૂટ્યું લાગણીઓનું
દ્વાર અને વહી પડી
સાચવીને ગોઠવેલી
લાગણીઓ અકબંધ
છલકાયુ અંતર
ને જે લાગતો પાકકો ઘડો
તે વિખરાયો ચારેકોર

લાગતું હતું કે
ગોઠવાઈ ગયા જીવનમાં
હવે તો
સમજી ગયા આ
સંબંધોનું જાળું
આવડી ગયું
અમને ઉકેલતા
પણ ગાંઠ આવી એક એવી
કે ગોઠવેલું સૌ
વીખરાયું
ને ગૂંચવાયું
અંદર બહાર
સઘળું અસ્તવ્યસ્ત

લાગતું હતું કે
શિખી ગયા સમાજની
સૌ રીતભાત
મોહરા વાંચવાની ભાષા
હવે તો
આવડી ગઈ
પણ ના,
હજી મળે નવા મોહરા
મળ્યા કરે
ખોટા વંચાયા કરે
ગેરસમજ થી
સમજાયું કે બાકી છે
હજી તો ઘણું
જીવનમાં શીખવાનું


મીનળ પંડ્યા

Friday, October 6, 2017

પર્યાવરણ

યાદ આવે છે  -

શિયાળા ની ખુશનુમા સવાર
ગરમ રજાઈ છોડી ને
કડકડતી ઠંડી માં
ગરમ ગરમ ચાની હૂંફ
ને છાપા ના ગરમાગરમ
સમાચાર

ઉનાળાની લુખ ઝરતી બપોર
બારીઓ પર ટાંગેલી
ઠંડી, ટપકતી, ટટ્ટી
ફરફર ફરતો પંખો
કાપે ગરમ હવાના ટુકડા
ઠંડા બરફના ગોળા પર

ચોમાસા ની ભીંની સાંજ
પાણીના ખાડામાં છબ છબીયાં
કાગળની હોડી  ને
નાયલોન ની છત્રી
ગરમ ભજીયાની સુવાસ
જીભ સળવળે

શરદપૂનમ ની મધુરી રાત
ખુશનુમા હવા
ગોળમટોળ ઝૂલતો ચાંદ
દૂધપૌંઆ
ગવાતા ગરબા ને
બંગડીઓનો રણકાર

અહા મણાય
ઋતુ  ઋતુ ની મસ્તી
જો પર્યાવરણ
પૂજાય, સમજાય
ને સચવાય।

મીનળ પંડ્યા















Tuesday, August 15, 2017

યાદ આવે છે - મુગ્ધાવસ્થા

યાદ આવે છે - મુગ્ધાવસ્થા

યાદ આવે છે આજે
કોલેજના એ દિવસો
સવારે દસ ને પાંચ ની બસ
એ થોડું તૂટેલું  બસ સ્ટેન્ડ
બહેનપણીઓની રાહ
ને કંસેશન નું કાર્ડ

કોલેજ ની કેન્ટીનમાં
દર મંળવારે મળતા ઢોસા
સાથે કોક ના કેન
ચણા જોર ગરમ ને
ખાડાના દાળવડા

લેક્ચર હોલ્સ ને
કેમિસ્ટ્રી ની લેબ
પરીક્ષાની ચિંતા ને
મધરાતની ચા
અડધી રાતે ફૂટતા પેપર

કોલેજ ના રસ્તામાં
યુવાનોની લાંબી લાઈન
તેરી પ્યારી પ્યાર સુરત અને
લાલ છડી મેદાન ખડી નું
હવામાં ગુંજન

થોડું લાગે કર્ણપ્રિય
થોડું અજુગતું
દિલને ધડકાવતું
ને સ્મૃતિ માં મલકાતું

એ સંગીત પ્રોગ્રામો  ને
ચૂંટણી નું કેન્વાસીંગ
હોળીની રમઝટ ને
વેકેશન ની મઝા
કોલેજના છેલ્લા દિવસે
એકબીજાને નહિ ભૂલવાના કોલ

આહ એ કોલેજના દિવસો
બચપણમાં થી યુવાનીમાં
એ સરકતા દિવસો
યાદ અપાવે જીવનભર
ખાટી મીઠી ચટાકેદાર

મીનળ પંડ્યા


Saturday, August 12, 2017

યાદ આવે છે આજે - બચપણ

યાદ આવે છે આજે - બચપણ

મણિનગર ની એ ગલીઓ
એ ગિલ્લી ડંડા ની હરીફાઈ
ને  દોરડા કુદવાની શરતો
પગથિયાં રમવાની મઝા
ને થપ્પા નો થનગનાટ

મોડી રાતે હીંચકે ઝૂલતા
મલક આખાની  વાતો
બિનાકાગીતમાલા ના  ગીતો
અમીન સાયાની ની વાતો
ને વિવિધ ભારતી ના રેલાતા સૂરો

સગા વ્હાલાની અવરજવર
મિત્રો ની અવિરત હાજરી
ઘર આંગણે જૂતા ની હાર
ઈડલી ઢોસા ની જ્યાફત
બમ્બો ભરીને બનતી ચા

અગાશી માં બેસીને સાંજે
ગણતા પક્ષીઓની ઘરસફર
ધાબે સુતા રાત્રે ગણતા
અસંખ્ય તારાઓની રમઝટ
કહેતા હે તારાઓ ઉઠવું મુજને
ઠીક સવારે છ ને ટકોરે

શનિવારે વહેલી સવારે
ઝગમગ ની જોતા રાહ
ક્યારે આવે ને ક્યારે વાંચીએ
એક બેઠકે કરીએ પૂરું
મિયાં ફુસકી ને દલા તરવાડી
બકોર પટેલ ને છકો મકો

ઉતરાણ દિવાળી બળેવ, નવરાત્રી
દાદાજી નું શ્રાદ્ધ ને સંવત્સરી
કાકા કાકી,ફોઈ ને ફુઆ
ભાઈઓ બહેનો ભેગા મળી
શીખડ પુરી જમવાનું
ને વાતો કરતા ઊંઘી જવાનું

મીનળ પંડ્યા








Sunday, July 9, 2017

તુંડે તુંડે ગણિત ભિન્ના


જણે જણે  જુદું ગણિત

કોઈને છે પૈસાનું ગણિત
ક્યાં વાપર્યા ને ક્યાં સાચવ્યા
કેટલા કમાયા ને કેટલા આપ્યા
છેવટે કેટલું બાંધ્યું ગાંઠે

કોઈને છે કામનું ગણિત
બસ જીવન કામનો બોજ
કેટલું કર્યું ને કેટલું બાકી
ક્યાં સરવાળો ને ક્યાં બાદબાકી

કોઈને છે સંબંધોનું ગણિત
કોને મળ્યા ને કોને જાણ્યા
કોણે  બોલાવ્યા ને કોણે ટાળ્યા
સંબંધો ક્યાં બન્યા ને ક્યાં તૂટ્યા

કોઈને છે ઓળખાણોનું ગણિત
ક્યાં ઓળખાણ ને ક્યાં પહેચાન
કેટલો ફાયદો કોનાથી ક્યાં નુકશાન
ક્યાં ખોડુ આ ખાણ દળદાર

કોઈની છે બસ અહંમ નું ગણિત
ક્યાં મળ્યું માન  ને ક્યાં અપમાન
ક્યાં પોસાયો ને ક્યાં ઘવાયો અહંકાર
હું નો  સરવાળો  ને તું ની બાદબાકી

કોઈને  છે પ્રેમ નું ગણિત
ક્યાં આપ્યું ને કેટલું આપ્યું
બસ ખુશ છે જે વહેચવામાં
તેને દિલે છે બસ સરવાળો

મીનળ પંડ્યા