Total Pageviews

Sunday, May 31, 2015

સોસાયટી માં એક બંગલો

સોસાયટી માં એક બંગલો
વર્ષો પહેલા સૌ સરખો સરખો
નવો નવો પણ સર્વ સામાન્ય
ઠીક બેસતો સૌ પાડોશી સંગ

સફેદ રંગ ને નીચો ઓટલો
પાસે પાસે એકબીજા સંગ
જાણે કંડાર્યા સૌ સમાન
વેઠવા ટાઢ ને તાપ સંગ સંગ

ઓટલે હીંચકાનું સાદું પાટિયું
સામે બે ખુરશી પ્લાસ્ટીકની
આંગણું નાનું પણ આવકાર મોટો
ભલે પધાર્યા નું તોરણ ટોડલે

પણ ...

આજે થઇ બેઠો એ
સૌથી મોટો, સૌથી આલીશાન
ઊંચા કોટ વડે ઘેરાયેલો
પણ બેઠો જાણે એકલો અટૂલો

વૈભવશાળી, વટ બંધ
એના માલિક ની જેમ
ખુબ સમૃદ્ધ,  ખુબ સશક્ત
પણ તોયે એકલો અટૂલો

જાણે લાગ્યો લક્ષ્મીનો શ્રાપ
મોટું બારણું ને બહાર ચોકીદાર
આવકાર મળે જ્યાં લુખો લુખો
'ભલે પધાર્યા' તોરણ ગાયબ