Total Pageviews

Thursday, June 9, 2016

વિસરાતી કળા- ઘર ચલાવવાની

 વિસરાતી કળા-  ઘર ચલાવવાની


આજે ઘણા વર્ષો પછી જૂની એક વાનગીની ચોપડી "ચાલો રસોડામાં" જોવા લીધી। વિચાર તો ખાલી એક વાનગી જોઈ લેવાનો હતો પણ જેવી એ ચોપડી ખોલી તેવું તરત યાદો નો મહાસાગર ઉમટ્યો.

આજથી ચાલીસ વર્ષ પહેલા જયારે હું લગ્ન કરીને અમેરિકા આવવા નીકળી ત્યારે મમ્મીએ આ ચોપડી સાથે આપી હતી. ઘર ચલાવવા માં મને કેટલી બધી મુશ્કેલી નડશે અને અમેરિકામાં હું ઘર કેવી રીતે ચલાવીશ એ એની ચોક્કસ ચિંતા અને આ પુસ્તક જરૂરથી કામમાં આવશે તેવી ખાતરી. અને ખરેખર શરૂઆતના વર્ષોમાં લગભગ અઠવાડિયામાં બે થી ત્રણ વાર હું "ચાલો રસોડામાં" લઈને બેસતી.કાં તો કોઈ વાનગી જોવી હોય કે પછી આઠ લોકો માટે કેટલું શાક બનાવવું જોઈએ, કઈ મીઠાઈ સાથે કયું ફરસાણ બરાબર કેહવાય એ બધું જોવા માટે આ પુસ્તક ખુલતું.

પછી તો ધીરે ધીરે હું બધું ઘણું નવું શીખી, અને ચોપડી ની જરૂર ઓછી થતી ગઈ

પણ આજે જયારે ચાર દાયકા  પછી આ પુસ્તક ફરી હાથમાં લીધું તો મુકવાનું મન જ નાં થયું. શું શું યાદ આવતું ગયું! જુદી જુદી વાનગીઓતો ખરી જ પણ વધારે તો પાને પાનું વાંચતાં વાંચતા, મન અને હૈયું પચાસ વર્ષ પહેલાના ગુજરાતી ઘર નું ચિત્ર જોઈ રહ્યું. એ વખતના ઘરોમાં કેવું કેવું શીખવાડતું હતું તે બધું "ચાલો રસોડામાં" જોવાથી યાદ આવી ગયું। કેટકેટલી શીખ એમાં આપેલી છે તે વિચાર આવ્યો। આજે આ બધું કોણ જાણતું હશે કોણ કરતુ હશે?

એ વખતે ઘર ચલાવવાની એક ચોક્કસ કળા હતી. એ કળામાં પારંગત થવાની તાલીમ માં, દાદીમા। કાકી, માસી બધા આપતા।  કેટ કેટલા વડીલો યાદ આવ્યા. અનાજ ક્યારે ખરીદવું, કેવી રીતે સાચવવું, કોઠીમાં જીવાત નાં જાય તેના માટે કેવા પગલા લેવા જોઈએ તે બધું બરાબર શીખવાનું. કેટલી જાતના અથાણા બને, બન્યા પછી કેવી રીતે જાડી કાચની બરણીઓમાં ભરાય, તેના ઉપર મલમલનું ભીનું કપડું બંધાય. જુદા જુદા મસાલા સિઝનમાં ખરીદાય, ત્યાર પછી ચોકમાં બેસીને ખંડાય, શેકાય, અને બરણીઓમાં ભરાય.

વાનગીઓ ઉપરાંત પણ એ જમાનાની ગૃહિણીઓ  કેટલું બધું સંભાળતી. સામાજિક સંબંધો, વ્યવહાર, બધું ઘરના પુરુષો ભાગ્યેજ ધ્યાન આપતા. મારા પપ્પા આજે પણ યાદ કરે છે કે તે જયારે નાના હતા ત્યારે તેમના કુટુંબમાં  છવીસ સભ્યો હતા. અને તે બધાની સુખ સગવડ, જરૂરિયાતો એ બધાનું ધ્યાન તેમના દાદી રાખતા। ઘરમાં પાંચ પુત્રો, પાંચ, પુત્રવધુઓ, પૌત્રો, પુત્રી, વગેરે, તેની ઉપરાંત આવતા જતા મહેમાનો, આ બધાની સંભાળ રખાતી। અનાજ ભરવાથી માંડીને વ્યવહાર સાચવવાની બધી જવાબદારી।

સૌથી વધારે તો એ કે એમની સત્તા પણ એક્માન્ય રહેતી। ઘરમાં આટલા બધા હોવા છતાં પણ બરાબર એક  મોટી કંપની ની જેમ દરેકનો રોલ નક્કી હતો. મોટા શું કરે, નાના ની શું ફરજો, એ બધું વણલખ્યા નિયમોથી ચાલતું। આજે જયારે કુટુંબો નાના થતા ગયા છે, જયારે ફક્ત માતા પિતા અને બે બાળકો નું કુટુંબ બની ગયું છે, જયારે પતિ પત્ની બંનેની કેરિયર તેમને ઘર ની બહાર રાખે છે ત્ત્યારે આ જૂની કુટુંબ વ્યવસ્થા યાદ આવે છે.

 એક વાનગીની ચોપડી કેટલી બધી જૂની યાદો તાજી કરાવી ગઈ!

Tuesday, December 1, 2015

साबुन है सुखडका

मेरा साबुन है सुखडका
मेरा क्रीम जास्मिनी
मेरा पावडर पारिजातक
फिर भी खुशबु पसिनाकी ... मेरा साबुन है

बसमें बैठे, ट्रेनमे बैठे
सबको बाटे ये खुश्बो
अपनी अपनी सब की प्यारी
सहियारी हम सबकी ..... मेरा साबुन है

चाट मसाला, भाजी पाव,
भेल,लसून, आचार,
क्या क्या खाया जो है ये खुश्बो
मिटती नहीं मिटाते........मेरा साबुन है

बाँट रहे सब अपनी अपनी
देश और  परदेश में
साबुन चाहे जो भी लाये
खुशबु फिर भी स्वदेशी....मेरा साबुन है


मीनल पंड्या












Thursday, June 25, 2015

ઉડવા ચાહે અંતરીક્ષમાં

આતમ  મારો
ઉડવા ચાહે અંતરીક્ષમાં
ફફડે પાંખો અંતર મહી
મથે આંબવા આકાશને

કીચડ આ સંસારનો
ખુચવે પગ ઊંડા
અતિ ઊંડા
કેમ કરું હું ઉર્ધ્વગતિ
જ્યાં ફસાયો જીવ
આ માયાજાળમાં

સાચું શું, ખોટું શું
યોગ્ય અયોગ્ય શું
મારું શું ને સૌનું શું
ગમતું અણગમતું
વચ્ચે અટવાયો અહમ

ખેચ આ ઉપર નીચે તણી
ઉજાસ ભણી
અંધકાર ભણી
ઘૂંટે હૈયું રોજે રોજ

પણ શાણા સૌ ઉચરે
આને કહેવાય
જીવન અહિયાં
સંસાર છે આ
આવું ચાલ્યા કરે


માટે જીવ સમજ  તું
આવું બને
સંસાર છે આ
ઊંચું નીચું
ચાલ્યા કરે

ને આ શાણા
સંસારીયો
જીવ્યા કરે
ઉજવ્યા કરે

શું આ જીવ શીખશે
કદી
આ શાણપણ નું ડહાપણ?


મિનલ પંડ્યા


















Sunday, May 31, 2015

સોસાયટી માં એક બંગલો

સોસાયટી માં એક બંગલો
વર્ષો પહેલા સૌ સરખો સરખો
નવો નવો પણ સર્વ સામાન્ય
ઠીક બેસતો સૌ પાડોશી સંગ

સફેદ રંગ ને નીચો ઓટલો
પાસે પાસે એકબીજા સંગ
જાણે કંડાર્યા સૌ સમાન
વેઠવા ટાઢ ને તાપ સંગ સંગ

ઓટલે હીંચકાનું સાદું પાટિયું
સામે બે ખુરશી પ્લાસ્ટીકની
આંગણું નાનું પણ આવકાર મોટો
ભલે પધાર્યા નું તોરણ ટોડલે

પણ ...

આજે થઇ બેઠો એ
સૌથી મોટો, સૌથી આલીશાન
ઊંચા કોટ વડે ઘેરાયેલો
પણ બેઠો જાણે એકલો અટૂલો

વૈભવશાળી, વટ બંધ
એના માલિક ની જેમ
ખુબ સમૃદ્ધ,  ખુબ સશક્ત
પણ તોયે એકલો અટૂલો

જાણે લાગ્યો લક્ષ્મીનો શ્રાપ
મોટું બારણું ને બહાર ચોકીદાર
આવકાર મળે જ્યાં લુખો લુખો
'ભલે પધાર્યા' તોરણ ગાયબ






Tuesday, November 4, 2014

આતમ મારો

આતમ મારો ભારતનો ને દેહ વિદેશી થાયે રે
હું જનમે ભારતવાસીને સંતાનો પરદેશી  રે
મન  મારું મુઝાય છે

કારકિર્દીના ઊંચા શિખર, મેં વટાવ્યા રાજી થઇ
ટેક્નોલોજી સરવાણીમાં ડૂબકી મારી પાવન થઇ
હોંશે રાચ્યું રાચ રચીલું સપનાથી પણ સુંદર ઘેર
લીલા ડોલર, લીલા કાર્ડે ચારે બાજુ લીલા લહેર
પણ મન મારું મુઝાય છે

ભૌતિક સુંદરતા ખરીદી, સંસ્કૃતિના રૂપિયાથી
સરવાળે બાદબાકી માંડી, હ્રુદિયાના હિસાબથી
ઘર છોડ્યું, ગામ છોડ્યું, છોડ્યા સગા સબંધી સૌ
છોડીને જે હતું પોતીકું, અપનાવ્યું પરદેશી સૌ
ને મન મારું મુઝાય છે

દુનિયાદારીના ગણિતમાં ના બેસે આ સરવાળો
મુજ જીવનના સમીકરણમાં ક્યાંક થયો છે ગોટાળો
સંસ્કૃતિ જે દિવ્ય કાળની, સંસ્કારો જે સિંચાયા
એના હું શું મોલ માંડું, પ્રેમ ઊર્મિ જે ખોવાયા
ને  મન મારું મુઝાય છે

મિનલ પંડ્યા




Sunday, November 2, 2014

થઇ ગયા

અમેરિકા માં સર્વે 


શુભ દિવાળી કહેવાનું  છોડીને
હેપ્પી દિવાળી કહેતા થઇ ગયા

માટીના દીવડાઓ છોડી
કોળામાં દીવા કરતા થઇ ગયા

પરંપરા પ્રણામ ની  છોડીને
હાથ મેળવતા થઇ ગયા

સવારે દર્શન દેવના મુકીને
phone ના દર્શન કરતા થઇ ગયા

વર્ષગાંઠમાં દીવો પ્રગટાવતા
મીણબત્તી ઓલવતા થઇ ગયા

માન મર્યાદા લજ્જા છોડીને
વિજ્ઞાપન ખુદનું કરતા થઇ ગયા

ફરજ, લાગણીની ભાષા ભૂલીને
ફાયદો,નુકશાન ગણતા થઇ ગયા

ગુજરાતી બોલવાનું છોડીને
ગુજલીશ બોલતા થઇ ગયા

મિનલ
















Friday, October 10, 2014

સંભવામિ યુગે યુગે

This poem was inspired at the time of the death of Nelson Mandella and his amazing life work in South Africa.


સંભવામિ યુગે યુગે

આવતા જાવતા રહે છે માનવી હજારો
પણ કોક વિરલા જાણે ઊતરે છે સ્વર્ગથી
કલ્યાણ કરવા માનવ જાતનું
ને હરવા પાપ જે થયા અસુરો થકી

કહો તમે કદી એમને રામ કે કહો તમે કૃષ્ણ
કહો તમે ગાંધી કે કહો નેલ્સોન મંડેલા
કોઈ ધારે છે હથિયાર, શસ્ત્ર
અને કોઈ અહિંસા અસ્ત્ર

નામ હોય કોઈ ને કામ હોય કોઈ
પણ અંતે કરે એ ધર્મની રક્ષા
અન્યાય અને અધર્મનો કરી વિનાશ
હોય પછી ભારત કે અફ્રિકા

અસુરોથી ભલે ઉભરાતી ધરતી
પણ દૈવીશક્તિ પણ છે અપાર
વેઠીને  જાતે દુખો અનેક
વરસાવે  કરુણા સદૈવ

શું હશે આ માયા ઈશ્વરની
કે પાકે છે આવા વિરલા
ફરી ફરીને જન્મ લઈને
જાણે સાર્થક કરવા ગીતાવચન

મિનલ પંડયા