Total Pageviews

Friday, April 27, 2012

ગણત્રી

ગણત્રી

વાણિયા જેવી ભક્તિ મારી રોજ ત્રાજવે તોલું
આજે કરું જો પાંચ માળા કયા દેવને રીઝવું

કરું પૂજા ગણપતિની એ વિઘ્નો હરે સૌ મારા
પણ સાંભળ્યું છે કે શિવજી જલ્દી રીઝાતા

કૃષ્ણની જો ભક્તિ કરું તો યોગક્ષેમ સચવાતા
માતાજીની જો થાય અવગણના તો શીઘ્ર  એ રીસાતા

હનુમાનની જો કરું આરાધના આપે એ બળ ને શક્તિ
પણ લક્ષ્મીજી ઉપાસનાથી વધે ધન સંપત્તિ

વિદ્યાની દેવી સરસ્વતી આપે બુદ્ધી ને શાણપણ
પણ વાંછિત ફળદાયક તો છે પ્રભુ સતનારાયણ

કેટકેટલા દેવ અને કેટ કેટલી  આશાઓ
મંદિર ભરું મૂર્તિઓથી, ને સવાર સાંજ પૂજાથી

પણ વેપારી આ   વૃતિ મારી, માપે રોજ, શું મળશે
પૂજા અર્ચના હવન ને વ્રત, જરૂર ક્યારેક તો ફળશે

ઊંચી વાતો પરમાત્માની પણ  વેપારી આ જીવ
ઈશ્વર કર બસ  એ  કૃપા કે એ મળવા ઝંખે શિવ 

મિનલ પંડ્યા






Tuesday, April 17, 2012

પવિત્ર

નદીઓના જ્યાં પાણી પવિત્ર,
વૃક્ષોની જ્યાં ડાળી પવિત્ર
લગ્નનું જ્યાં બંધન પવિત્ર,
ભાઈ-બહેન નો પ્રેમ પવિત્ર
છે ભારતની બસ ભૂમિ પવિત્ર

વિધવિધ દેવ પૂજાય પ્રતિદિન
વિધવિધ વ્રત ઊજવાય પ્રતિદિન
ક્યાંક ને ક્યાંક વેદ વંચાય પ્રતિપળ
ને કોઈક ખૂણે તત્વ ચર્ચાય પ્રતિપળ  
છે ભારત માં હરપળ પવિત્ર

નૃત્ય, સંગીત, ભાષા ને કળા
વિકસે સર્વે જ્યાં પ્રભુ સાધના રૂપ
વૈભવ, વિદ્યા, વાણી ને વ્યવહાર
ઉચકે સર્વ ઉન્નતિના સ્તર
છે ભારતની સંસ્કૃતિ પવિત્ર

ગર્વ મને છે એ ભારત ભૂમિ પર
ગર્વ મને છે એ સંસ્કૃતિ પર
કરી શકે એ વિશ્વ કલ્યાણ કાશ
રચે ભવિષ્ય આ ભૂતકાળની ગરિમા પર

મિનલ પંડ્યા








Friday, March 30, 2012

આ જિંદગી

આ જિંદગી

સમય જાણે સરકી રહ્યો છે હાથથી
જિંદગી જાણે વહી રહી છે ભાગતી
ક્યાં લઈ જશે આ સમયનો અવિરત  પ્રવાહ?

હશે  ઈશ્વરનું કોઈ આયોજન
કે પછી બસ કોઈ યાત્રા અર્થહીન

બંધ મુઠ્ઠીથી આવ્યા જગમાં
અને જાશું ખુલ્લી મુઠ્ઠી લઈને
શું કમાયા શું ગુમાવ્યું
શું વાપર્યું ને શું સાચવ્યું

કર્મ કર્યા સારા ને ખોટા
અહંકારની ઓડમાં
આંસુ લૂછ્યા કેટકેટલાના
અને મન. વચન, કર્મ થી
ઘાવ દીધા  બેફામ કેટલા

ક્યાં હશે આ હિસાબ?
ચિત્રગુપ્તના ચોપડે?
ને કોણ વાંચશે એની  કિતાબ
કોણ કરશે એનો ન્યાય?

મિનલ પંડ્યા







Wednesday, February 22, 2012

પેઢી - ગઈ એક પોઢી

પેઢી - ગઈ એક પોઢી

નવા જમાનાની નવી વાતો જોવા
આંખો જુનીને તમાશા નવા થયા

ઓરડા ગયાને બેડરૂમ થયા
ઓટલા ગયાને પાર્કિંગ થયા
પરસાળ, પાનીહરા, ચોક ને ચોકડી
બસ બાના  ઘરના ફોટામાં રહ્યા
આગળો, ઉંબરા, પાટલા ને બાજોઠ
આખી એક પેઢીની સાથે ગયા

ગયા એ સોનેરીકોર વાળા પીતાંબર
ને સુગંધિત વેણી વાળા અંબોડા
આજેતો વાળ ટૂંકા ને પાટલૂન ચુસ્ત થયા

ગયા એ પોળનાં ચબુતરાઓ ને ચોરાઓ
હીંચકા ઉપર ઝુલનારા એ  બોખા વડીલો
આજેતો હોર્નની ચીસો ને ફોનની ઘંટડીઓમાં
પંખીઓ પણ પલાયન થયા

ગયા પેંડા, બરફી, ચુરમું, ને લાપસી
શ્રાદ્ધ અને સંવત્સરી ના જમણ
આજેતો વર્ષગાંઠ ની મિજલસમાં
ચોકલેટ કેક ને પીઝાના માહોલ થયા

આંખો જુનીને તમાશા નવા થયા

મીનલ પંડ્યા







Thursday, September 22, 2011

ગુજરાતી થાળી

ગુજરાતી થાળી

ગુજરાતીનું જમણ ચટ પટુ
મોમાં આવે પાણી 
પણ બોલવામાં એવું અટપટું 
કે જાણે ફૂટે ધાણી

નથી માનતા? તો લો આ સાંભળો 
ખાણીપીણી ની  વાણી

હાંડવો ને લાડવો
ખાખરા ને ખાંડવી
ઊંધિયું ને ઓસામણ
કે પછી  ઢોકળા ને ઢોકળી

ગોટાને ગાંઠિયા
પાપડી ને ખીચડી 
ખમણ ને ખડ્ખાડિયા
વળી છાશ ને ઘેંશ 

પાતરા ને મુઠિયા
પાપડ ને પીઠલું
ઘારી ને ઘૂઘરા
રોટલા ને ગોટલા

એટલે મારું માનો તો 
કાન બંધ કરીને શાંતિથી
આરોગો ગુજરાતી થાળી 

મિનલ પંડ્યા


Tuesday, September 20, 2011

મહીયરનો હીંચકો

મહીયરનો હીંચકો
જગતભરના થાકને ભુલાવતો એ હીંચકો 
જીવનભરની વાતો ને ઝૂલાવતો એ હીંચકો 
ભૂતકાળને વર્તમાનમાં મમળાવ તો એ હીંચકો 
ને ભવિષ્યના સ્વપ્નને શણગારતો એ હીંચકો 

બાળપણ થી આજ સુધી મનમાં રમે એ હીંચકો 
દિવસના અંતમાં સામો મળે એ હીંચકો 

દુનિયાભરના થાકથી જયારે મન શોધે વિશ્રામ પલભર 
ત્યારે હ્રિદય તરસી રહે એ હીંચકો 
દસ હજાર મિલ ની દૂરી પરે 
જયારે મન મારું કલ્પના કરે 
દેશની માટીની, દેશની મીઠાશની 
ત્યારે મન પર પથરાઈ રહે એ હીંચકો 

ઘોડિયાથી ઘડપણ સુધી મનને ઝૂલાવતો એ હીંચકો 
જગતભરના થાકને ભુલાવતો એ હીંચકો 

મિનલ પંડ્યા


Friday, July 22, 2011

NRI દેશ માં

NRI  દેશ માં

નાગરિક છું હું અમેરિકાનો ભારત ફરવા આવ્યો છું
હાય - બાયના વટ વ્યવહારે ડોલર ઊડાડવા આવ્યો છું 

ગંદકી ની તો વાતના પૂછો, ગરમીનો તો ત્રાસ છે 
જ્યાં જુઓ ત્યાં ભિખારીઓની હારમાળા અપરંપાર છે 

ધીમી ગતિની જિંદગી સૌની બસ વાતોનો વપરાશ છે 
રાજકારણીઓ ને અધિકારીઓની અહિયાં બોલ્મ્બોલ છે

દેખાદેખીને અંધશ્રદ્ધાનો લાંબો અહીં ઈતિહાસ છે 
સંબંધો ને લાગણીઓની ભાષા અહીં ભુલામણી છે

પણ...
મન મોહ્યું છે આ ધરતીમાં જ્યાં બચપણ માણ્યું પ્રેમથી 
ભીનાશથી જ્યાં ભીંજવ્યું યૌવન મુગ્ધ હૈયાની અભીલાશથી

માટે ભલે નાગરિક છું હું અમેરિકાનો 
પણ અહિયાં ફરવા આવું છું 


મિનલ પંડ્યા