Total Pageviews

Tuesday, July 3, 2012

આધુનિક મંગલાષ્ટક

આધુનિક મંગલાષ્ટક

વેકેશન મળતા રહ્યે ઉભયને ને ઝગમગે સૂર્ય ત્યાં
pizza hut પ્રગટે સદા સમીપમાં જ્યાં જ્યાં તમે વિચરો
જોઈતી, ને ના જોઈતી બધી ચીજો મળતી રહે સેલમાં
ને જયારે તમે નીસરો શોપિંગ માં, પાર્કિંગ મળે સહજમાં

સુવર્ણ, પ્લેટીનમ તણા તવ હજો ક્રેડીટ કાર્ડ પર્સમાં
ને મોટર--ગાડી હજો હમેશા ટીપટોપ કંડીશનમાં
કેલરી નાં ગણવી પડે બે'ની કદી, હો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં
workout  કરવા ક્લબ હજો, whirlpool ની સાથમાં

weekend માં નિદ્રા મળે સુખભરી, ના ફોનની રણકે ઘંટડી
surprise  પાર્ટીઓ મળે બે'ની ઘણી, કોઈ ભેટના હો duplicate
શોધી લે નિજ ride  તવ સંતાન સૌ, કરવું ના પડે ના શોફરીંગ
કમ્પુટર ની કૃપા મળો હરઘડી, હો માહિતી સભર જીવન તમ

અંબરથી વરસી રહો અવિરતપણે, વર્ષા સદા ડોલરતણી
investment વધતા રહો દિનબદિન મળજો બોસ કૃપમાયી
ભારતની મળતી રહે ટ્રીપ ઘણી, ના હો duty કસ્ટમ તણી
પ્રાર્થું હે ઈશ આજ આ યુગલનું, અમરીકા મહી મંગલમ


મિનલ પંડ્યા 

Sunday, June 17, 2012

પિત્રુ ઋણ

પિત્રુ ઋણ

સંસ્કાર, શિક્ષણ અને શિખામણ
ઘડતર, કેળવણી અરે જીવનનું બંધારણ
સમજ સૌ પ્રથમ ઈશ્વર તણી
ને દ્રષ્ટિ  સૌ પ્રથમ સમષ્ટિ  ભણી

આપી જીવનભર જે પિતાએ
એ પિતૃ ઋણ હું કેમ ભરું?

આદર્શોથી ભર્યું હૃદય મમ
મહત્વાકાંક્ષાથી મઢ્યું માનસ પટ
વાત્સલ્ય ભાવે ભીંજવ્યું શૈશવ
ને ખેલદિલીથી ખીલ્વ્યું યૌવન

વિકસાવ્યું વ્યક્તિત્વ જે પિતાએ
એ પિત્રું ઋણ હું કેમ ભરું?

જ્ઞાન,વિજ્ઞાન ભાષા અને ભૂગોળ
ફૂલ પાંદડા દરિયો ને ડુંગર
ધર્મ, મર્યાદા સાચું ને ખોટું
સંબંધ લાગણી, ધૈર્ય બહાદુરી

શું શું શીખવ્યું જાણે અજામારુ।ણે
એ પિત્રું ઋણ હું કેમ ભરું?

મૂડી મળી જે સૌ તવ થકી
નિર્વ્યાજ સ્નેહની અમીભાવનાથી
સીંચી શકું એ જ જીવનમૂલ્યો
નવી પેઢીને, બસ એ જ યાચું
થશે પરિપૂર્ણ સત્ય ને સાચું
તોજ પિતૃઋણ ચુકાશે મારુ





મિનલ પંડ્યા


Saturday, June 9, 2012

આગમન : કાલે ને આજે

આગમન : કાલે ને આજે

પાયલનો  ઝણકાર આગમનનો અણસાર હતો ગઈકાલે
 પ્રિયતમાનો રીંગ ટોન થડ્કાવે છે  હૈયું આજે

બંગડીઓનો ખનખનાટ કરાવતો નવોઢા નો અહેસાસ કાલે
ઊંચી એડીનો ટક ટકાટ આરસની ફરસ પર સંભળાય આજે 

પ્રેયસીના પાલવમાં પરોવવાના મનોરથ હતા જે કાલે
દુપટ્ટાની આડ જરા મળે તો સમજો ઉઘડ્યા ભાગ્ય આજે

રસોઈઘરની રાણી થવાના ઓરતા  હતા જે કાલે
તે અર્ધાંગીની હોટલ માં કાગ ઝડપે કરે reservation  આજે

ખોળાના ખુંદનાર ની પ્રાર્થના પ્રભુને  કરતા જે ગઈ કાલે
laptop ના અરમાન ભર્યા દંપતી મળે છે આજે

બદલાતી સંસ્કૃતિ, બદલાતી જીવનની રીત રસમ
પણ માનવી એના એ, એના એ સુખ દુખ, આશા ને અરમાન આજે

મિનલ પંડ્યા 

Friday, April 27, 2012

ગણત્રી

ગણત્રી

વાણિયા જેવી ભક્તિ મારી રોજ ત્રાજવે તોલું
આજે કરું જો પાંચ માળા કયા દેવને રીઝવું

કરું પૂજા ગણપતિની એ વિઘ્નો હરે સૌ મારા
પણ સાંભળ્યું છે કે શિવજી જલ્દી રીઝાતા

કૃષ્ણની જો ભક્તિ કરું તો યોગક્ષેમ સચવાતા
માતાજીની જો થાય અવગણના તો શીઘ્ર  એ રીસાતા

હનુમાનની જો કરું આરાધના આપે એ બળ ને શક્તિ
પણ લક્ષ્મીજી ઉપાસનાથી વધે ધન સંપત્તિ

વિદ્યાની દેવી સરસ્વતી આપે બુદ્ધી ને શાણપણ
પણ વાંછિત ફળદાયક તો છે પ્રભુ સતનારાયણ

કેટકેટલા દેવ અને કેટ કેટલી  આશાઓ
મંદિર ભરું મૂર્તિઓથી, ને સવાર સાંજ પૂજાથી

પણ વેપારી આ   વૃતિ મારી, માપે રોજ, શું મળશે
પૂજા અર્ચના હવન ને વ્રત, જરૂર ક્યારેક તો ફળશે

ઊંચી વાતો પરમાત્માની પણ  વેપારી આ જીવ
ઈશ્વર કર બસ  એ  કૃપા કે એ મળવા ઝંખે શિવ 

મિનલ પંડ્યા






Tuesday, April 17, 2012

પવિત્ર

નદીઓના જ્યાં પાણી પવિત્ર,
વૃક્ષોની જ્યાં ડાળી પવિત્ર
લગ્નનું જ્યાં બંધન પવિત્ર,
ભાઈ-બહેન નો પ્રેમ પવિત્ર
છે ભારતની બસ ભૂમિ પવિત્ર

વિધવિધ દેવ પૂજાય પ્રતિદિન
વિધવિધ વ્રત ઊજવાય પ્રતિદિન
ક્યાંક ને ક્યાંક વેદ વંચાય પ્રતિપળ
ને કોઈક ખૂણે તત્વ ચર્ચાય પ્રતિપળ  
છે ભારત માં હરપળ પવિત્ર

નૃત્ય, સંગીત, ભાષા ને કળા
વિકસે સર્વે જ્યાં પ્રભુ સાધના રૂપ
વૈભવ, વિદ્યા, વાણી ને વ્યવહાર
ઉચકે સર્વ ઉન્નતિના સ્તર
છે ભારતની સંસ્કૃતિ પવિત્ર

ગર્વ મને છે એ ભારત ભૂમિ પર
ગર્વ મને છે એ સંસ્કૃતિ પર
કરી શકે એ વિશ્વ કલ્યાણ કાશ
રચે ભવિષ્ય આ ભૂતકાળની ગરિમા પર

મિનલ પંડ્યા








Friday, March 30, 2012

આ જિંદગી

આ જિંદગી

સમય જાણે સરકી રહ્યો છે હાથથી
જિંદગી જાણે વહી રહી છે ભાગતી
ક્યાં લઈ જશે આ સમયનો અવિરત  પ્રવાહ?

હશે  ઈશ્વરનું કોઈ આયોજન
કે પછી બસ કોઈ યાત્રા અર્થહીન

બંધ મુઠ્ઠીથી આવ્યા જગમાં
અને જાશું ખુલ્લી મુઠ્ઠી લઈને
શું કમાયા શું ગુમાવ્યું
શું વાપર્યું ને શું સાચવ્યું

કર્મ કર્યા સારા ને ખોટા
અહંકારની ઓડમાં
આંસુ લૂછ્યા કેટકેટલાના
અને મન. વચન, કર્મ થી
ઘાવ દીધા  બેફામ કેટલા

ક્યાં હશે આ હિસાબ?
ચિત્રગુપ્તના ચોપડે?
ને કોણ વાંચશે એની  કિતાબ
કોણ કરશે એનો ન્યાય?

મિનલ પંડ્યા







Wednesday, February 22, 2012

પેઢી - ગઈ એક પોઢી

પેઢી - ગઈ એક પોઢી

નવા જમાનાની નવી વાતો જોવા
આંખો જુનીને તમાશા નવા થયા

ઓરડા ગયાને બેડરૂમ થયા
ઓટલા ગયાને પાર્કિંગ થયા
પરસાળ, પાનીહરા, ચોક ને ચોકડી
બસ બાના  ઘરના ફોટામાં રહ્યા
આગળો, ઉંબરા, પાટલા ને બાજોઠ
આખી એક પેઢીની સાથે ગયા

ગયા એ સોનેરીકોર વાળા પીતાંબર
ને સુગંધિત વેણી વાળા અંબોડા
આજેતો વાળ ટૂંકા ને પાટલૂન ચુસ્ત થયા

ગયા એ પોળનાં ચબુતરાઓ ને ચોરાઓ
હીંચકા ઉપર ઝુલનારા એ  બોખા વડીલો
આજેતો હોર્નની ચીસો ને ફોનની ઘંટડીઓમાં
પંખીઓ પણ પલાયન થયા

ગયા પેંડા, બરફી, ચુરમું, ને લાપસી
શ્રાદ્ધ અને સંવત્સરી ના જમણ
આજેતો વર્ષગાંઠ ની મિજલસમાં
ચોકલેટ કેક ને પીઝાના માહોલ થયા

આંખો જુનીને તમાશા નવા થયા

મીનલ પંડ્યા