Total Pageviews

Friday, March 30, 2012

આ જિંદગી

આ જિંદગી

સમય જાણે સરકી રહ્યો છે હાથથી
જિંદગી જાણે વહી રહી છે ભાગતી
ક્યાં લઈ જશે આ સમયનો અવિરત  પ્રવાહ?

હશે  ઈશ્વરનું કોઈ આયોજન
કે પછી બસ કોઈ યાત્રા અર્થહીન

બંધ મુઠ્ઠીથી આવ્યા જગમાં
અને જાશું ખુલ્લી મુઠ્ઠી લઈને
શું કમાયા શું ગુમાવ્યું
શું વાપર્યું ને શું સાચવ્યું

કર્મ કર્યા સારા ને ખોટા
અહંકારની ઓડમાં
આંસુ લૂછ્યા કેટકેટલાના
અને મન. વચન, કર્મ થી
ઘાવ દીધા  બેફામ કેટલા

ક્યાં હશે આ હિસાબ?
ચિત્રગુપ્તના ચોપડે?
ને કોણ વાંચશે એની  કિતાબ
કોણ કરશે એનો ન્યાય?

મિનલ પંડ્યા







Wednesday, February 22, 2012

પેઢી - ગઈ એક પોઢી

પેઢી - ગઈ એક પોઢી

નવા જમાનાની નવી વાતો જોવા
આંખો જુનીને તમાશા નવા થયા

ઓરડા ગયાને બેડરૂમ થયા
ઓટલા ગયાને પાર્કિંગ થયા
પરસાળ, પાનીહરા, ચોક ને ચોકડી
બસ બાના  ઘરના ફોટામાં રહ્યા
આગળો, ઉંબરા, પાટલા ને બાજોઠ
આખી એક પેઢીની સાથે ગયા

ગયા એ સોનેરીકોર વાળા પીતાંબર
ને સુગંધિત વેણી વાળા અંબોડા
આજેતો વાળ ટૂંકા ને પાટલૂન ચુસ્ત થયા

ગયા એ પોળનાં ચબુતરાઓ ને ચોરાઓ
હીંચકા ઉપર ઝુલનારા એ  બોખા વડીલો
આજેતો હોર્નની ચીસો ને ફોનની ઘંટડીઓમાં
પંખીઓ પણ પલાયન થયા

ગયા પેંડા, બરફી, ચુરમું, ને લાપસી
શ્રાદ્ધ અને સંવત્સરી ના જમણ
આજેતો વર્ષગાંઠ ની મિજલસમાં
ચોકલેટ કેક ને પીઝાના માહોલ થયા

આંખો જુનીને તમાશા નવા થયા

મીનલ પંડ્યા







Thursday, September 22, 2011

ગુજરાતી થાળી

ગુજરાતી થાળી

ગુજરાતીનું જમણ ચટ પટુ
મોમાં આવે પાણી 
પણ બોલવામાં એવું અટપટું 
કે જાણે ફૂટે ધાણી

નથી માનતા? તો લો આ સાંભળો 
ખાણીપીણી ની  વાણી

હાંડવો ને લાડવો
ખાખરા ને ખાંડવી
ઊંધિયું ને ઓસામણ
કે પછી  ઢોકળા ને ઢોકળી

ગોટાને ગાંઠિયા
પાપડી ને ખીચડી 
ખમણ ને ખડ્ખાડિયા
વળી છાશ ને ઘેંશ 

પાતરા ને મુઠિયા
પાપડ ને પીઠલું
ઘારી ને ઘૂઘરા
રોટલા ને ગોટલા

એટલે મારું માનો તો 
કાન બંધ કરીને શાંતિથી
આરોગો ગુજરાતી થાળી 

મિનલ પંડ્યા


Tuesday, September 20, 2011

મહીયરનો હીંચકો

મહીયરનો હીંચકો
જગતભરના થાકને ભુલાવતો એ હીંચકો 
જીવનભરની વાતો ને ઝૂલાવતો એ હીંચકો 
ભૂતકાળને વર્તમાનમાં મમળાવ તો એ હીંચકો 
ને ભવિષ્યના સ્વપ્નને શણગારતો એ હીંચકો 

બાળપણ થી આજ સુધી મનમાં રમે એ હીંચકો 
દિવસના અંતમાં સામો મળે એ હીંચકો 

દુનિયાભરના થાકથી જયારે મન શોધે વિશ્રામ પલભર 
ત્યારે હ્રિદય તરસી રહે એ હીંચકો 
દસ હજાર મિલ ની દૂરી પરે 
જયારે મન મારું કલ્પના કરે 
દેશની માટીની, દેશની મીઠાશની 
ત્યારે મન પર પથરાઈ રહે એ હીંચકો 

ઘોડિયાથી ઘડપણ સુધી મનને ઝૂલાવતો એ હીંચકો 
જગતભરના થાકને ભુલાવતો એ હીંચકો 

મિનલ પંડ્યા


Friday, July 22, 2011

NRI દેશ માં

NRI  દેશ માં

નાગરિક છું હું અમેરિકાનો ભારત ફરવા આવ્યો છું
હાય - બાયના વટ વ્યવહારે ડોલર ઊડાડવા આવ્યો છું 

ગંદકી ની તો વાતના પૂછો, ગરમીનો તો ત્રાસ છે 
જ્યાં જુઓ ત્યાં ભિખારીઓની હારમાળા અપરંપાર છે 

ધીમી ગતિની જિંદગી સૌની બસ વાતોનો વપરાશ છે 
રાજકારણીઓ ને અધિકારીઓની અહિયાં બોલ્મ્બોલ છે

દેખાદેખીને અંધશ્રદ્ધાનો લાંબો અહીં ઈતિહાસ છે 
સંબંધો ને લાગણીઓની ભાષા અહીં ભુલામણી છે

પણ...
મન મોહ્યું છે આ ધરતીમાં જ્યાં બચપણ માણ્યું પ્રેમથી 
ભીનાશથી જ્યાં ભીંજવ્યું યૌવન મુગ્ધ હૈયાની અભીલાશથી

માટે ભલે નાગરિક છું હું અમેરિકાનો 
પણ અહિયાં ફરવા આવું છું 


મિનલ પંડ્યા 

Monday, June 20, 2011

નાદબ્રહ્મ કે નાદભ્રમ?

નાદબ્રહ્મ કે નાદભ્રમ?

શબ્દોથી છલકતી આ દુનિયામાં 
રમે શબ્દ હર જીવનમાં 
શબ્દોથી સર્જાતા હર જીવનમાં 
રમે શબ્દ પળ પળ માં

ઉગ્ર શબ્દો, માદક શબ્દો
પ્રેમ સભર ને આગઝરતા શબ્દો
આહલાદક શબ્દો શીતલ કરે હૈયાને 
ને નગ્ન શબ્દો ભોકાય હૈયામાં

પોકળ શબ્દો અથડાય ઘટ ઘટ માં
ને શાંત, અબોલ શબ્દો ઉતારે ઊંડાણમાં 
મૌન શબ્દો શોષાય અંતરમાં
ને ઘોઘાટિયા શબ્દો ખોવાય ભીડમાં 

મૌખિક શબ્દો ઝીલાય કર્ણપટમાં
ને દ્રષ્ટિક શબ્દો પ્રસરાય ભીતરમાં
ખુશી ભરેલા શબ્દો નિખરે અંગાંગમાં
નાદ ભરેલી આ દુનિયામાં
નાદબ્રહ્મ ભૂલાય જીવનમાં

મિનલ પંડ્યા



Saturday, June 4, 2011

આ અમેરિકા?

આ અમેરિકા?
પ્રથમ નજરે રંગીલું, રસીલું, ચળકતું,
નવોઢાની જેમ આકર્ષતું અલબેલું આ અમેરિકા 

ધીરે ધીરે સ્વ-રૂપ પ્રકટતું 
સારું નહિ - નઠારું નહિ, પણ
વરવી વાસ્તવિકતામાં વીંટળાયેલું 

સતત મહેનત, સતત પરિશ્રમથી સભર
સતત આભારના ભારમાં અટવાયેલું 
ભાંગેલા પરિવારોના ભંગાર નીચે દબાયેલું 

જ્યાં માણસ ના રહી શકે માણસ સાથે 
પણ અનહદ પ્રેમ કરે મુક પ્રાણી સાથે

ભોગથી તરબતર
તમસ મય, રજસ મય, 
અહિયાં ક્યાં મળે સત્વની કમ્મર?

અળસિયા સમ જીવન મહી, અહિયાં
લીધું શું, ભોગ્યું શું, અને છેવટે છોડ્યું શું?

મિનલ પંડ્યા