વીસ કિલોની બે બેગ
થોડા અથાણાં, થોડા મસાલા
આડણી વેલણ ને વળી તાવેતો
ખારેક મસાલાવાળી
જે ભાવતી હતી બહુ
ગણપતિ, શિવ ,અને
માતાજી નો ફોટો
સાઈબાબા ની ભસ્મ
પ્લાસ્ટિકમાં જાળવીને
ભર્યું સૌ સહુ પહેલું ।
પાંચ ડ્રેસ ને અગિયાર સાડીઓ
જે આવી હતી ભેટમાં
માર્કશીટ ને વળી બીજા
ઢગલો દસ્તાવેજો રાખ્યા
હાથવગે,અજાણ્યા દેશમાં
ઓળખાણ આપવા
સરનામાં બે કોઈ સગાના
પપ્પાએ ખાસ જાળવીને
આપેલા, રસ્તામાં ખાવા
નાસ્તાની પુરી મમ્મીએ
ઠુંસાઈને મૂકી હાથની બેગમાં
નવા નક્કોર કપડાં
અને નવી નક્કોર હું
વિસ કિલોની બેગ અને
ચાલીસ કિલોની હું
નવા નક્કોર સપના સાથે
માંડ્યા પ્રભુતામાં પગલાં
અમેરિકામાં
મીનળ