ખભે વિડિયો, આંખે ચશ્માં
કેડે વિંટાળી સ્વેટર બાંય
'હેલો, હાય'ની માળા જપતો
રામપુરની ગલીકૂંચીમાં
નિસર્યો અમ ત્રિશંકુ પરાયો
હજી કાલની વાત જ છે આ,
ભરી હતી બે બેગો ઠસાઠસ
અથાણાં, ખાખરા, મરી-મસાલા
હવાબાણ હરડે ને ત્રિફલા
શર્ટ-પેન્ટ-બેલ્ટ ને કાળાં ચશ્માં
નિસર્યા 'તા યયાતિ પરાયા
પગે લાગીને બા દાદાને
ચાંલ્લો મોટો કરી કપાળે
થોડું ફિક્કું સ્મિત રાખીને
ચાલ્યો ત્રિશંકુ અમરીકા જવાને
લાગતાં હતાં જે અતડાં કપડાં
શરીર પર જાણે અહીં-તહીં લટક્યાં
લાગે આજે ફિટોફીટ ને અક્કડ
પણ ત્રિશંકુ લાગે ઉખડ્યાં - ઉખડ્યાં
શેરીઓ છે હજી એની એ,
ગઈકાલે જ્યાં રમતો ફરતો
બંધ બેસતી પાઘડી સમ
લાગે આજે ભારે મોટો
જાણે ગોળ ખોખામાં ઠોંસ્યો
ચોરસ ડબ્બો ભર્યો ઠસોઠસ
આજે ત્રિશંકુ ચાલે વટ બંધ
જમીનથી જાણે ત્રણ વેંત ઉંચો
નીચા લાગે સૌ ગામવાસી જણ
પોતે થયો છે 'બિન રહેવાસી'
ને આ તો રહ્યા સૌ દેશી, દેશી!
બહાર છો લાગે વટનો કટકો
પણ અંતર એનું જાણે એક સત
બિન રહેવાસી બબ્બે દેશનો
ત્રિશંકુ આજે એ જ ગલીમાં
જ્યાં હું જન્મ્યો, જ્યાં રમ્યો હું
વિદેશમાં હું હજી ત્રિશંકુ
હજાર પ્રયત્ને પારકો હમેશ હું!
મિનલ પંડ્યા