Total Pageviews

Thursday, September 22, 2011

ગુજરાતી થાળી

ગુજરાતી થાળી

ગુજરાતીનું જમણ ચટ પટુ
મોમાં આવે પાણી 
પણ બોલવામાં એવું અટપટું 
કે જાણે ફૂટે ધાણી

નથી માનતા? તો લો આ સાંભળો 
ખાણીપીણી ની  વાણી

હાંડવો ને લાડવો
ખાખરા ને ખાંડવી
ઊંધિયું ને ઓસામણ
કે પછી  ઢોકળા ને ઢોકળી

ગોટાને ગાંઠિયા
પાપડી ને ખીચડી 
ખમણ ને ખડ્ખાડિયા
વળી છાશ ને ઘેંશ 

પાતરા ને મુઠિયા
પાપડ ને પીઠલું
ઘારી ને ઘૂઘરા
રોટલા ને ગોટલા

એટલે મારું માનો તો 
કાન બંધ કરીને શાંતિથી
આરોગો ગુજરાતી થાળી 

મિનલ પંડ્યા


Tuesday, September 20, 2011

મહીયરનો હીંચકો

મહીયરનો હીંચકો
જગતભરના થાકને ભુલાવતો એ હીંચકો 
જીવનભરની વાતો ને ઝૂલાવતો એ હીંચકો 
ભૂતકાળને વર્તમાનમાં મમળાવ તો એ હીંચકો 
ને ભવિષ્યના સ્વપ્નને શણગારતો એ હીંચકો 

બાળપણ થી આજ સુધી મનમાં રમે એ હીંચકો 
દિવસના અંતમાં સામો મળે એ હીંચકો 

દુનિયાભરના થાકથી જયારે મન શોધે વિશ્રામ પલભર 
ત્યારે હ્રિદય તરસી રહે એ હીંચકો 
દસ હજાર મિલ ની દૂરી પરે 
જયારે મન મારું કલ્પના કરે 
દેશની માટીની, દેશની મીઠાશની 
ત્યારે મન પર પથરાઈ રહે એ હીંચકો 

ઘોડિયાથી ઘડપણ સુધી મનને ઝૂલાવતો એ હીંચકો 
જગતભરના થાકને ભુલાવતો એ હીંચકો 

મિનલ પંડ્યા


Friday, July 22, 2011

NRI દેશ માં

NRI  દેશ માં

નાગરિક છું હું અમેરિકાનો ભારત ફરવા આવ્યો છું
હાય - બાયના વટ વ્યવહારે ડોલર ઊડાડવા આવ્યો છું 

ગંદકી ની તો વાતના પૂછો, ગરમીનો તો ત્રાસ છે 
જ્યાં જુઓ ત્યાં ભિખારીઓની હારમાળા અપરંપાર છે 

ધીમી ગતિની જિંદગી સૌની બસ વાતોનો વપરાશ છે 
રાજકારણીઓ ને અધિકારીઓની અહિયાં બોલ્મ્બોલ છે

દેખાદેખીને અંધશ્રદ્ધાનો લાંબો અહીં ઈતિહાસ છે 
સંબંધો ને લાગણીઓની ભાષા અહીં ભુલામણી છે

પણ...
મન મોહ્યું છે આ ધરતીમાં જ્યાં બચપણ માણ્યું પ્રેમથી 
ભીનાશથી જ્યાં ભીંજવ્યું યૌવન મુગ્ધ હૈયાની અભીલાશથી

માટે ભલે નાગરિક છું હું અમેરિકાનો 
પણ અહિયાં ફરવા આવું છું 


મિનલ પંડ્યા 

Monday, June 20, 2011

નાદબ્રહ્મ કે નાદભ્રમ?

નાદબ્રહ્મ કે નાદભ્રમ?

શબ્દોથી છલકતી આ દુનિયામાં 
રમે શબ્દ હર જીવનમાં 
શબ્દોથી સર્જાતા હર જીવનમાં 
રમે શબ્દ પળ પળ માં

ઉગ્ર શબ્દો, માદક શબ્દો
પ્રેમ સભર ને આગઝરતા શબ્દો
આહલાદક શબ્દો શીતલ કરે હૈયાને 
ને નગ્ન શબ્દો ભોકાય હૈયામાં

પોકળ શબ્દો અથડાય ઘટ ઘટ માં
ને શાંત, અબોલ શબ્દો ઉતારે ઊંડાણમાં 
મૌન શબ્દો શોષાય અંતરમાં
ને ઘોઘાટિયા શબ્દો ખોવાય ભીડમાં 

મૌખિક શબ્દો ઝીલાય કર્ણપટમાં
ને દ્રષ્ટિક શબ્દો પ્રસરાય ભીતરમાં
ખુશી ભરેલા શબ્દો નિખરે અંગાંગમાં
નાદ ભરેલી આ દુનિયામાં
નાદબ્રહ્મ ભૂલાય જીવનમાં

મિનલ પંડ્યા



Saturday, June 4, 2011

આ અમેરિકા?

આ અમેરિકા?
પ્રથમ નજરે રંગીલું, રસીલું, ચળકતું,
નવોઢાની જેમ આકર્ષતું અલબેલું આ અમેરિકા 

ધીરે ધીરે સ્વ-રૂપ પ્રકટતું 
સારું નહિ - નઠારું નહિ, પણ
વરવી વાસ્તવિકતામાં વીંટળાયેલું 

સતત મહેનત, સતત પરિશ્રમથી સભર
સતત આભારના ભારમાં અટવાયેલું 
ભાંગેલા પરિવારોના ભંગાર નીચે દબાયેલું 

જ્યાં માણસ ના રહી શકે માણસ સાથે 
પણ અનહદ પ્રેમ કરે મુક પ્રાણી સાથે

ભોગથી તરબતર
તમસ મય, રજસ મય, 
અહિયાં ક્યાં મળે સત્વની કમ્મર?

અળસિયા સમ જીવન મહી, અહિયાં
લીધું શું, ભોગ્યું શું, અને છેવટે છોડ્યું શું?

મિનલ પંડ્યા  

Monday, May 16, 2011

"હું" ક્યાં?

ખળખળ વહેતા ઝરણામાં તું 
વિશાલ સમુન્દરના પટમાં તું
તુંગ પર્વતના શિખરે તું
મોહક ભ્રમિત વન રાશી માં તું

મુગ્ધ બાળકની આંખોમાં તું
માતા ના વાત્સલ્યમાં તું
પ્રેમની ગહેરાઈ માં તું
ને સંયમ ના પાલનમાં તું

ઋતુઓના લયમાં તું
મંદ મંદ વાતા વાયરામાં તું
ફૂલોની સુગંધમાં તું
ને હવાના કણ કણ માં તું

બધેજ તું તો આ "હું" ક્યાં?
મારો આ અહં ક્યાં ને
આ મિથ્યા અભિમાન ક્યાં?

મિનલ પંડ્યા 

Saturday, April 30, 2011

આધુનિક જન તો તેને રે કહીએ

વૈષ્ણવ જન તો  તેને રે કહીય ની parody


આધુનિક જન તો તેને રે કહીએ, જે પીડ બીજાને આપે રે
પરદુ:ખે ઉપભોગ કરે તોયે, મનમાં આંચ ન લાવે રે

સકલ લોકમાં સહુને છેતરે , નીંદા જે કરે સૌની રે
વાચ કાચ મન નિરંકુશ વિચરે, ધન ધન ધન ની રટની રે

મોહમાયાથી મન ભરપુર જેનું, દ્રઢ વૈરાગ્ય જેના ભાષણમાં
રામનામ જેને નેવે ચડાવ્યું, સકલ જગત જેની ઝાપટમાં

વક્રદ્રષ્ટિ જેની, લોલુપ હૈયું,સૌ સ્ત્રી પોતાની માને રે
જીહ્વા જેની સત્ય ના જાણે, પરધન નવ છોડે સહેજ રે

વ્યાજવટામાં પારંગત જે, કામ ક્રોધ ભરી કાયારે
ભણે મિનલ તેના પડછાયાથી ભૂત પિશાચ પણ ભાગે રે 

મિનલ પંડ્યા



Thursday, April 7, 2011

નોકર દેવ

નોકર દેવ
તેત્રીસ કરોડ દેવતા જ્યાં યુગો યુગો થી કરતા સહ વસવાટ 
એ ભારતની કર્મભૂમિ પર આજે ફક્ત છે નોકર દેવનું રાજ 

પ્રાતઃ કાળે માળા જપતા સૌ રામાની નામની 
દર્શન થાતા ધન્ય થાય સૌ શાંતિ થઇ છે કામની 

રોદ્ર સ્વરૂપે જો કદીય પ્રગટે આ કળીયુગના દેવ તો 
ગ્રહશાંતિ કરમાયે ક્ષણમાં ને ઘર બદલાય રણમાં

રામરાજ્યમાં સીતા ત્યજાઈ એક ધોબણના કહેવાથી
આજે સેકડો રામ રઝળતા સહેજ રામાને વધવાથી

આજે પૂજા કરો સૌ નોકર દેવની આરતી ઉતારો મહારાજની 
રિઝવો દુધવાળા, ઝાડુંવાળા સૌને , ને મેળવો મુક્તિ સૌ કામથી


મિનલ પંડ્યા 

Friday, February 25, 2011

ક્ષણભંગુર જિંદગી, તું ક્યાં ગઈ?


ક્ષણભંગુર જિંદગી, તું ક્યાં ગઈ?

ધાર્યું ન'તું કે જિંદગી આમ  અલપ ઝલપ સરકી જશે 
ધાર્યું ન'તું કે ખ્વાબ કૈક આછા અધૂરા રહી જશે

લાવ્યા હતા સાથ કેઇક અભીલાશાઓનો ટોપલો 
ઉમેરતા રહ્યા ક્ષણ ક્ષણ નવી ખેવાનાઓનો થોકડો 
નો'તી ખબરકે જિંદગી તો પળ પળ વધેરાય છે
ને કાલની આશા તળે આજ તો હોમાય છે

દિવસો વીત્યા વીકેન્ડ ની રાહમાં
ને મહિનાઓ વીત્યા રજાઓની ચાહમાં 
બચપણ વીત્યું યુવાની ની તલાશ માં 
ને યુવાની વીતી સુખની ભાગદોડ માં

હવે જયારે આવ્યો પ્રૌઢાવસ્થાનો   ઉમરો
ને જયારે દેખાયું આગળ થોડું ને પાછળ ઝાઝું
ત્યારે થાય છે કે  આ લાંબી સફર કેમ કરીને 
હાથતાળી દઈને છટકી ગઈ - ને ક્યાં ગઈ 
એતો ધાર્યું ન'તું કે આમ બસ હાથથી જ સરકી જશે! 

મિનલ પંડ્યા